Saturday, February 12, 2011

gazal

નજરુંનો ઝૂલે છે ઝૂલો આ બારીથી પેલી બારી.
સ્મિતના લઈને મબલખ ફૂલો આ બારીથી પેલી બારી.
એ બારીમાં ચાંદો સૂરજ આ બારીમાં આંખો તગતગ,
જીવ પડે છે રોજે ભૂલો આ બારીથી પેલી બારી.
એ બારીથી આ બારી લગ ઉભી છે ભરચક ઈચ્છાઓ,
વચ્ચે રસ્તો આખો ખુલો આ બારીથી પેલી બારી.
સપનાનો ઉઠતો ધૂમાડો આંખોમાં પાણી લાવે છે,
ખાલીપાનો બળતો ચૂલો આ બારીથી પેલી બારી.

Thursday, February 10, 2011

gazal

ગઝલ
એ કહે જજબાત જેવું કઈ નથી.
મેં કહ્યું જા વાત જેવું કઈ નથી.
શત્રુઓ હરખાવ છો શા કારણે ?
આ તરફ આઘાત જેવું કઈ નથી.
જાત એની છે જ એવી શું કહું ?
સ્વપ્નને ઓકાત જેવું કઈ નથી.
ઠેશ માફક એ મળે છે રાહમાં,
દોસ્ત ! મુલાકાત જેવું કઈ નથી.
દી ફર્યો એની જ મસ્તી છે બધી,
એમને ત્યાં રાત જેવું કઈ નથી.
આ તરફ પાછી વાળો ઈચ્છા બધી,
એ તરફ ખેરાત જેવું કઈ નથી.

જે થયું તે , ખેદ જેવું કંઈ નથી.
જા, હવે મતભેદ જેવું કંઈ નથી.

હું નથી એની ગણતરીમાં હવે,
એ કહે છે છેદ જેવું કંઈ નથી.
...
જિંદગીમાં લેશ આઝાદી નથી,
કેદ છું ને કેદ જેવું કંઈ નથી.

જે બતાવ્યું જોશીડાએ , ક્યા ગયું ?
હાથમાં તો છેદ જેવું કંઈ નથી.

કૈક શાખાઓ વહે છે અશ્રુની,
દેહ પર પ્રસ્વેદ જેવું કંઈ નથી.

- બી.કે.રાઠોડ "બાબુ"